૨૨ વર્ષ પેહલા આ દિવસે જેણે પણ પોતાના સગા-વહલા ઓને ગુમાવ્યા એ સૌને અશ્રુભીની શ્રદ્ધાંજલિ
આજથી 22 વર્ષ પહેલા આજના જ દિવસે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપે વિનાશે વેર્યો હતો. 26મી જાન્યુઆરી 2001ના રોજ શુક્રવારના દિવસે બરાબર 8.45ના ટકોરે સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લો પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે અચાનક ધરા ધ્રુજવા લાગી હતી.
રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાના ભૂકંપે થોડી જ ક્ષણોમાં બધું જ હતું ન હતું કરી નાંખ્યું હતું. આ ભૂકંપના એક આંચકામાં હજારો ઈમારતો પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેમાં અંદાજે 20 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
અગાઉ 1956માં પણ કચ્છના અંજારમાં ભૂકંપ નોંધાયો હતો. આમ પાંચ દાયકા બાદ 2001માં કચ્છમાં ફરીથી આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી હતી. આ ભૂકંપની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. જેમાં અમદાવાદમાં પણ ભારે નુક્સાન નોંધવામાં આવ્યું હતું. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો, ત્યારે લોકોને થોડીવાર તો ખબર જ નહોતી પડી કે આ ભૂકંપ છે, પરંતુ જ્યારે ખબર પડી, ત્યારે ચોતરફ વિનાશ જોવા મળ્યો હતો.
જે સમયે ભૂકંપ આવ્યો બરાબર તે જ સમયે ઊંચી ઊંચી ઈમારતો પળવારમાં ખળભળી ગઈ હતી. જમીનદોસ્ત થઇ ગઇ હતી. પડું પડું થઇ રહેલી ઇમારતોમાંથી હેમખેમ બહાર આવવા માટે લોકો હવાતીયા મારી રહ્યા હતા. રસ્તા, રસ્તા મટીને કાટમાળમાં ફેરવાઇ ગયા હતા. માત્ર બે મિનિટ ચાલેલા ભૂકંપે કચ્છને કાટમાળમાં ફેરવી દીધું.
મંદિર હોય કે મસ્જિદ ભૂકંપે કોઇ ભેદ પાડ્યા જ નહોતા. જમ ઘર ભાળી ગયા હતા અને લોકો ખુલ્લી જગ્યાએ દોડી ગયા હતા. બાવીશ વર્ષ પહેલાંના ભૂકંપના દ્રશ્યો આજે પણ લોકોના હૈયે ચીતરાયેલા છે. કચ્છની કોઇ પણ ગલીમાં એક પણ એવું ઘર નહીં હોય જે ભૂકંપના આઘાતને ખાળી શક્યું હોય.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]