2023ના પહેલા વાવાઝોડાનાં ભણકારા, નામ છે મોચા: જાણો શું છે હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની સીઝન ચાલી રહી છે. આગામી 5 દિવસ રાજ્યના અનેક તાલુકા અને જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે એક વાવાઝોડાને લઈને એક નવું અપડેટ આપ્યું છે. IMDએ જણાવ્યું છે કે 22 થી 24 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી પ્રબળ શક્યતા છે અને પરિણામે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણથી વાવાઝોડું બનવાની શક્યતા છે. વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિનામાં આવવાની આગાહી કરવામાં આવી છે. જોકે, સદ્દનસીબે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં થાય.
વર્ષના પ્રથમ ચક્રવાતી વાવાઝોડાનું નામકરણ મૂળાક્ષરો (આલ્ફાબેટિકલ)ના ક્રમમાં ‘યમન’ દ્વારા કરવાનું હતું. તે બાદ, બંગાળની ખાડીમાં આવનારા ગંભીર ચક્રવાત(Cyclone Mocha)નું નામ યમન દ્વારા તેના લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવવામાં આવ્યું હતું.ભારતના પૂર્વોત્તર રાજય માં ભારે વરસાદની શક્યતા..સાયક્લોનના કારણે વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના.
જો કે, હવામાન વિભાગ દ્વારા ઓડિશાના દરિયાકાંઠે અથવા કોઈપણ પૂર્વીય દરિયાકાંઠા માટે વાવાઝોડા અંગે કોઈ ચેતવણી જારી કરી નથી. તેમ છતાં, ચક્રવાતની સંભાવના ધરાવતા તમામ જિલ્લાઓને તૈયાર રાખવામાં આવ્યા છે. NDRF, ODRAF અને અન્ય સાથે જિલ્લાઓ અને સંબંધિત વિભાગો કોઈપણ સંભવિત ઘટના માટે તૈયાર છે. જણાવી દઈએ કે રાજ્યમાં ઘણા વર્ષોથી ઉનાળામાં જ વાવાઝોડું આવી રહ્યું છે, જેના માટે સરકાર કામ કરી રહી છે. રાજ્યને 2019માં ફાની, 2020માં અમ્ફાન અને 2021માં યાસ વાવાઝોડું આવ્યું હતું.