ગરવા ગિરનારનો ઇતિહાસ, 150 વર્ષ પહેલા આવું લાગતું અંબાજી મંદિર

ગરવા ગિરનારનો ઇતિહાસ, 150 વર્ષ પહેલા આવું લાગતું અંબાજી મંદિર

સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે 322 પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જુનાગઢ (ગિરિનગર)માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મૂક્યો હતો.

પુષ્યગુપ્તે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યુ હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું હતું. આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્વારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિદ્ધિ અપાવી છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જુનાગઢ શહેર ગિરિનગર, જીર્ણદુર્ગનાં નામથી ઓળખાતું હતું.

યાત્રિકો ગિરનાર પર્વત પર ન ચડી શકતા હોવાથી અંબાજી મંદિર સુધી જ જતા હોય છે

ગિરનારનાં દર્શને આવનાર દરેક યાત્રાળુઓ ઘણી વખત બધા જ શિખરો ઉપર ચડી શકતા નથી. પરંતુ જમીનથી લગભગ 3300 ફુટની ઉંચાઈએ આવેલા અંબાજી મંદિરે પહોંચીને ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પ્રથમ પગથિયાની આસપાસનાં સ્થળને ભવનાથ તળેટી કહે છે. ત્યાંથી ચડવાની શરૂઆત કરીએ એટલે પાંડવ ડેરી, હનુમાન વાલુની આંબલી, ધોળી ડેરી, કાળી ડેરી અને ભરથરીની ગુફા જેવાં સ્થાનો આવે છે. આ ભરથરીની ગુફા પાસે ગિરનારમાં બરોબર અર્ધચઢાણે માળી પરબની જગ્યા આવે છે. અહીં 13મી સદીમાં બંધાયેલો કુંડ છે.

દેરાસર પછી હિંદુઓનાં દેવસ્થાનો શરૂ થાય

અહીં કુંડ પાસે ખાંગો પાણો છે. ત્યાંથી ઉપરકોટ ટુક થઈને નેમીનાથજીનાં દેરાસર આવે છે. દેરાસર પછી હિંદુઓનાં દેવસ્થાનો શરૂ થાય છે. જેમાં પ્રથમ ભીમકુંડ આવે છે ત્યાંથી અંબાજી મંદિરે જતા એક રસ્તો સાતપુડાની ગુફાઓ તરફ જાય છે. બાદમાં જટાશંકરી ધર્મશાળા, નિર્મળ જળનો કુંડ, ગૌમુખી ગંગા આવે છે. ત્યાંથી થોડે દૂર રામાનુજ સંપ્રદાયની પથ્થરચટ્ટી નામની જગ્યા આવે છે, બરોબર તેની સામે જ ભૈરવજપનો પથ્થર આવેલો છે. ભૈરવજપ પાસે ઈ.સ.1824માં ગિરનારમાં આવીને વસેલા યોગી સેવાદાસજીની જગ્યા છે. અહીંથી નીચે ઉતરતા શેષાવન, ભરતવન, હનુમાન ધારાના સ્થાનકો આવે છે. ગિરનાર ઉપર ચડવાનો આ જુનો માર્ગ છે.

અંબાજીનું મંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે

આમ ભીમકુંડથી અંબાજી મંદિરે જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મૂળ રસ્તે આવીને અંબાજી મંદિરે પહોંચે છે. અંબાજીનું મંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે, જે ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે. તેવી લોકોમાં એક પ્રકારની શ્રદ્ધા છે. જેમ ભારતમાં અન્ય જગ્યાએ ડુંગર ઉપર અંબાજી માતાજીનાં બેસણા છે તેમ ગિરનાર જેવા પવિત્ર ડુંગર ઉપર પણ અંબાજી માતાના બેસણા છે.

ગિરનારના પાંચ પર્વતો પર કુલ 866 મંદિરો આવેલા છે

ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. અહીં સિદ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફુટની ઉંચાઈ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગીરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે.

જુઓ વિડિઓ :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *