લાખો રૂપિયા ખર્ચતા પણ આવી શાંતિ નઈ મળે
ગામડાનો માણસ જાતે કરી ને ભોળો બને છે. કારણ કે તેના સ્વભાવ માં કોઈ ઈર્ષા હોતી નથી એનું જીવન સાદું હોય છે. એ પોતે ખેતમજૂર હોય કે જમીનમાલિક હોય,કે પછી પશુપાલક હોય, દુકાનદાર હોય કેજુદા જુદા વ્યવસાય કરતા હોય પણ ગામડા ના ઉછેર માં તફાવત હોય છે લોકો હળી મળી ને રહે છે. તહેવારોમાં પણ સંપીને રહે છે.
ગામડામાં તમારી પોતાની ખેતી અને પશુપાલન હોય અને તે તમે જાતે જ કરતા હોવ તો શ્રેષ્ઠ. ઘરનું જાતે જ ઉગાડેલું ઉત્તમ ખાવાનું તેમજ તેના માટે કરવા પડતા શારીરિક શ્રમથી આરોગ્ય પણ સારું રહેશે. સાથે સાથે ગામડાનું વાતાવરણ પ્રદુષણ મુક્ત હોવાથી પણ આરોગ્ય સારું રહેશે.
હવેના માણસો આવું જીવન જીવી શકે નહિ, જો કે હજુ ઘણા ગામડામાં સિમ્પલ લાઈફ જીવાઈ રહી છે. હજુ પણ ગીરના અમુક ગામડાઓમાં આવું દેશી જીવન જીવાઈ રહ્યું છે. પરંતુ આજથી અંદાજે સો-સવાસો વર્ષ પહેલા ગામડામાં જે જીવન હતું તે હવે માત્ર એક સપનું જ બની રહેશે.
તમારામાંથી જે મિત્રો ગામડામાં રહે છે અથવા ગામડામાં મોટા થયા છે તે લોકોએ આ વાતો કદાચ તેના દાદા-દાદી અને વડીલો પાશેથી સાંભળી હશે. તો ચાલો જોઈએ આજથી સો સવાસો વર્ષ પહેલા કેવું હતું ગામડાનું જીવન…
આજના સમયમાં લોકોની સવાર 9 10 વાગે થતી હોય છે પરંતુ તે સમયે ગામડામાં 4 થી 5 વાગે બધાની સવાર પડી ગઈ હોય છે. એટલું જ નહિ ઘરમાં જો કોઈ નાના બાળકો પણ હોય તો એ પણ 5 વાગામાં ઉઠી જતા અને રમતો ચાલુ કરી દેતા.
તેમજ મહિલાઓ વહેલી સવારે ઉઠીને દરણા દળવા લાગતી. કેમ કે ત્યારે ઘરઘંટી ન હતી, હાથથી જ દળવું પડતું. દળણાની સાથે સાથે સ્ત્રીઓ ગીતો પણ ગાતી. વહેલી સવારે લોકો પોતાની ગાયો અને ભેંસો દોવા વળગી જતા.
એ સમયે વહેલી સવાર એટલે કે 5 વાગે ગામડામાં અલગ અલગ પક્ષીઓનો કલરવ સાંભળવા મળતો અને તે સમયનું આલારામ પણ તે જ હતું. તેમજ આજસુધી બધાને ગમે છે તેવો “ઘમ્મર વાલોણા” નો અવાજ પણ સવાર સવારમાં સંભાળવા મળતો.