જસમલનાથજી મહાદેવ આસોડા, 1200 વર્ષ જુનું પ્રાચીન શિવ મંદિર…

જસમલનાથજી મહાદેવ આસોડા, 1200 વર્ષ જુનું પ્રાચીન શિવ મંદિર…

ઉત્તર ગુજરાતમાં પૌરાણિક મંદિરો અને સુપ્રસિદ્ધ મંદિરોમાંનું એક સ્થાનક હોય તો તે છે વિજાપુર તાલુકાના આસોડા ગામનું 1200 વર્ષથી પણ પ્રાચીન જશમલ નાથજી મહાદેવનું શિવ પંચાયત મંદિર.આ પ્રાચીન મંદિરના દર્શનથી 12 જયોર્તિલિંગનું પુણ્ય મળતું હોવાની માન્યતા છે. અહીં દેવાધિદેવ મહાદેવ અન્ય ચાર દેવો સાથે બિરાજમાંન છે, તેથી તેને શિવ પંચાયત મંદિર પણ કહેવાય છે.

ભારત દેશમાં અનેક પ્રાચીન મંદિરો અને રમણીય કલાકૃતિઓની મંત્રમુગ્ધ શૈલી સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. ભારતમાં અનેક શિલ્પ કલાના બેનમુન પૌરાણિક મંદિરો આવેલા છે. જેની ભવ્યતા દેશની આવનારી પેઢી માટે અમૂલ્ય વારસો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં રાણકી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર અને ઐતિહાસિક નગરી વડનગરની સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે. બસ આવુ જ એક 1200 વર્ષ પ્રાચીન સોલંકી કાળનું શિવ મંદિર એટલે વિજાપુર તાલુકાના આસોડા ગામનું જશમલ નાથજી મંદિર.

રામાયણ તેમજ મહાભારતકાલના પાત્રોનું કંડારકામ

આ શિવાલય વિજાપુર તાલુકાના કુકરવાડા પાસે આસોડા ગામમાં દેવાધિદેવ મહાદેવ બિરાજમાન છે. આ મંદિર સોલંકી કાળમાં પાટણના રાજવી સિધ્ધરાજ જયસિંહએ બંધાવ્યું હતું. તદ્દન મોઢેરા સૂર્ય મંદિર જેવી જ આબેહૂબ કોતરણી આ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે. અહીં મંદિરના બાંધકામમાં રામાયણ તેમજ મહાભારતકાલના પાત્રો કંડારાયેલા છે. અને સંપૂર્ણ વાસ્તુ શાસ્ત્ર આધીન મંદિરનું સુંદર નિર્માણ કરાયું છે.અહીં પથ્થરની કોતરણી સાથેના મંદિરમાં બિરાજમાન ભગવાન શિવજી અદભુત અને અલૌકિક છે. જેને જશમલ નાથજી મહાદેવ તરીકે ભક્તો પુકારે છે.

આ મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત છે. પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. અહી મંદિરમાં શ્રવણ માસની અમાસના દિવસે શિવ ભગવાનની વિશેષ પૂજા થાય છે. પ્રથમ સોમવારે મંદિરના પ્રાંગણમાં ભાતીગળ મેળો ભરાય છે. આ પૌરાણિક મંદિરમાં સિદ્ધરાજ જયસિંહ વખતથી શ્રાવણ માસના અમાસના દિવસે 1008 કમળ પૂજા થાય છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કમળ પૂજા કરવામાં આવે છે, તે યજ્ઞ જોવાલાયક હોય છે.

પાટણના રાજપૂત રાજા સિધરાજ સોલંકીના રાજ્ય શાસન કાળમાં તે ધર્મપ્રેમી રાજા હોવાને લઇ ધર્મની ધજા, તેના રાજ્યમાં ફરકે તે માટે પથ્થરો ઉપર કોતરણીવાળા અદભુત શિવ મંદિરો બંધાવ્યા હતા. લોકવાયકા મુજબ પાટણના રાજા સિદ્ધરાજને શ્રાવણ માસના પ્રથમ રાત્રિના સમયે ભગવાન શિવનું સ્વપ્ન આવેલું અને શિવજીએ તેમને કહ્યું કે મારું સ્વયંભૂ શિવલિંગ ૨૫ માઈલ દૂર છે. અને પછી ત્યાં એક મંદિરનું નિર્માણ કરવાનું આયોજન શરૂ કરાયું. જેને લઈ રાજાએ કહેલા અંતર પ્રમાણે હાલના આસોડા ગમે શિવ મંદિર બનાવવાની તૈયારીઓ કરીને શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું.

પાટણ જવા માટેનો એક ગુપ્ત માર્ગ

ત્યારે શિવજીએ ફરીથી બીજા દિવસે સપનામાં આવી કહ્યું કે મારી જગ્યાએ તે મંદિર બનાવ્યું નથી. તેમ કહેતાં રાજા મંત્રી મંડળ સાથે તપાસ કરતા અંતરમાં ફેરફાર જણાયો હતો. પણ તે સમયે મંદિર બનાવવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાથી, રાજાએ ફરી આદેશ કર્યો કે આ મંદિર છોડી દો. અને અન્ય માપ પ્રમાણે બનાવો તેવું કહેતા આ ગામનું નામ “આસોડા” ગામ નામ પડ્યું. ત્યારબાદ બાજુના ગામ સોખડામાં પણ ભગવાન શિવના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

પોતાના પરમ ભક્ત અને ઉપાસક એવા સિદ્ધરાજ જયસિંહ દ્વારા આસોડામાં બનાવેલ મંદિરમાં શિવજીએ પ્રથમ વાસ કર્યો અને કહ્યું કે અહીં આસોડામાં આવેલા શિવમંદિરમાં મારી આરાધના (શિવની આરાધના) ત્રણ દિવસ સુધી કરે, તેને સિદ્ધિ પ્રાપ્ત થશે. તેવી લોકવાયકા પણ છે. અહીં બનાવવામાં આવેલા 1200 વર્ષ પૌરાણીક મંદિરમાં પાટણ જવા માટેનો એક ગુપ્ત માર્ગ બનાવવામાં આવ્યો છે. જે અહીંથી સીધો પાટણ નીકળતો હોવાની માન્યતા છે. કાળક્રમે આ મંદિર જીર્ણ થતા ગાયકવાડ સરકારે જીણોદ્ધાર કરાવ્યો હતો. અને આ મંદિરની પૂજા કરવા માટે તપોધન બ્રાહ્મણને સેવા આપવામાં આવી હતી. આ મંદિરના નિર્માણ માટે ગામના દરેક સમાજ હાલમાં સહભાગી રહ્યો છે. અત્યારે મંદિર પુરાતત્વ વિભાગની દેખરેખ નીચે છે.

શિવ પંચાયત મંદિર

વિધર્મીઓ જ્યારે શિવ મંદિરો અને હિન્દૂ મંદિરોને નિશાન બનાવીને આવા પ્રાચીન મંદિરોનો ધ્વસ્ત કરવા નીકળ્યા હતા. ત્યારે આ મંદિરને પણ નુકશાન પહોંચાડેલું હતું. જેના નિશાન હાલ શિવલિંગ પર જોઈ શકાય છે. અહીં આ પવિત્ર સ્થાનકમાં ભગવાન શિવની આરાધના કરનારને મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ એક જ શિવાલય એવું છે, જેને શિવ પંચાયત મંદિર પણ કહેવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે આ મંદિરની જમણી બાજુ ગણપતિ દાદાનું પ્રાચીન મંદિર છે. તો ડાબી બાજુ હનુમાનજીનું મંદિર છે. તેમજ પાછળના ભાગે પણ બે મંદિરો આવેલા છે. જેમાં એક બ્રહ્માજી, તેમજ ચોથું વિષ્ણુ ભગવાનનું મંદિર અને પાંચમું વચ્ચે સ્વયં શિવજી બિરાજમાંન છે. આમ 5 દેવતાઓની પંચાયત સ્વરૂપે આ દેવસ્થાન અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓની આધિ વ્યાધિ અને ઉપાધિનો દર્શન માત્રથી નાશ કરે છે. અને સર્વે ભક્તોની મનોકામના પરિપૂર્ણ થાય છે. આથી જ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના માઇભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શને અચૂક પધારે છે.

મોટા આકારના અને આબેહૂબ શિવલિંગના દર્શનથી ભક્તો પરમ શાંતિનો અનુભવ કરી રહ્યા છે. દર શ્રવણ માસમાં ભક્તોની ભારે ભીડ આ મંદિર માં જોવા મળે છે. અને અમાસના દિવસે દાદાની શોભાયાત્રા નિજ મંદિરથી નીકળી સમગ્ર ગામમાં નગરચર્યા કરી નિજ મંદિર પરત ફરે છે. ખુદ મહાદેવ નગરજનોને સામે ચાલીને દર્શન આપે છે, ત્યારે ભક્તો પણ મહાદેવની અતૂટ ભક્તિમાં લીન થઈ જાય છે.

જુઓ વિડિઓ :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *