લીલી પરિક્રમા અને જીણા બાવા નો ઇતિહાસ
લોકમાન્યતા એવી છે કે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલનારી આ યાત્રામાં ક્યાંય પણ ઝેરી જીવજંતુઓ જોવા નથી મળતા. ક્યારેય કોઈ ભક્તને ઝેરી જંતુ કરડ્યું હોય તેવું ક્યારેય નથી બન્યું. લોકો ગાઢ વનમાંથી પસાર થાય તો પણ આ પાંચ દિવસ દરમિયાન કીડી જેવો જીવ પણ નજરે નથી પડતો. કહે છે કે તેનો તમામ શ્રેય જાય છે જીણાબાવાને.
36 કિલોમીટર લાંબી ગિરનાર પરિક્રમાની યાત્રા દરમિયાન કુલ ચાર પડાવ આવે છે. પહેલો પડાવ જીણાબાવાની મઢી. દરમિયાન. બીજો પડાવ માળવેલા. ત્રીજો પડાવ બોરદેવી. અને ચોથો તેમજ અંતિમ પડાવ ભવનાથ મહાદેવ. કહે છે કે ભક્તો સર્વ પ્રથમ દર્શન જીણાબાવાની મઢીએ જ કરે છે.
જીણાબાવાની મઢીએ જીણાબાવાનું સમાધિસ્થાન આવેલું છે. શ્રદ્ધાળુઓ આસ્થા સાથે અહીં દર્શન કરે છે. યાત્રાના ચાર દિવસ દરમિયાન અહીં એક ખાસ ચલમને દર્શનાર્થે મુકવામાં આવે છે. ભક્તો એ ચલમના પણ દર્શન કરે છે. અને સાથે જ ચલમ સાથે જોડાયેલી એ કથાને પણ યાદ કરે છે કે જેના લીધે આ યાત્રા વધુ સુખરૂપ બની. લોકવાયકા અનુસાર જીણાબાવા ભગવાન દત્તાત્રેયના પરમ ભક્ત હતા. કહે છે કે દત્તાત્રેય અને ગોરખનાથજી અઘોરીનું રૂપ ધરી તેમની પાસે બેસવા આવતા. અને એકવાર તેમણે જીણાબાવાને મજાકમાં પૂછી લીધું કે, અરે જીણા, તારી કાયા તો આટલી મોટી છે. તો, લોકો તને જીણા કેમ કહે છે ?
જીણાબાવાની જેમાંથી પસાર થયા હતા તે ચલમ !
અઘોરીની વાત સાંભળી જીણાબાવાએ જવાબ આપ્યો. મારું નામ જ નહીં, શરીર પણ જીણું જ છે. જુઓ તો ખરાં કહે છે કે આમ બોલતાની સાથે જ જીણાબાવાએ અતિ નાનું કદ ધારણ કર્યું. અને ચલમની અંદરથી પસાર થઈ ગયા. તેમનું આ રૂપ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા. લોકવાયકા અનુસાર તેમની પરીક્ષા લેનાર તે બીજું કોઈ નહીં, પરંતુ, ભગવાન દત્તાત્રેય જ હતા. તેમણે પ્રસન્ન થઈ જીણાબાવાને વરદાન માંગવા કહ્યું. ત્યારે જીણાબાવાએ કહ્યું કે, અહીં જે ભક્ત પરિક્રમાએ આવે તેને કોઈ જીવજંતુ ક્યારેય સતાવે નહીં, યાત્રાના પાંચ દિવસ દરમિયાન અહીં એકપણ જીવજંતુ ન દેખાય !
લોકવાયકા અનુસાર જીણાબાવાએ સ્વયંની માટે કંઈ માંગવાને બદલે લોકોની માટે માંગ્યું. ત્યારે દત્તાત્રેયજીએ પ્રસન્ન થઈને તેમને કહ્યું, ;હે જીણાબાવા ! હું તમારી સાધના અને ભાવનાથી પ્રસન્ન થયો છું. હું તમને વરદાન આપું છું, કે યાત્રાના પાંચ દિવસ દરમિયાન ભક્તોને કોઈ જીવજંતુ પરેશાન નહીં કરે. તેમજ આ લીલી પરકમ્મામાં ભક્તો સર્વ પ્રથમ તમારાં જ દર્શન કરશે.
કહે છે કે દત્તાત્રેયજીએ આપેલાં વરદાનને લીધે જ ભક્તો સર્વ પ્રથમ જીણાબાવાની મઢીએ દર્શનાર્થે આવે છે. જીણાબાવાની મઢીએ રામનાથ મહાદેવનું પણ સ્થાનક આવેલું છે. જ્યાં ભક્તો આસ્થા સાથે મહેશ્વરના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]