મહેસાણા નજીક ઐઠોર ગણપતિ નો ઇતિહાસ, દરેક મનોકામના થશે પૂર્ણ…
ગુજરાતમાં ગણેપતિના ઘણા મંદિરો જોવા મળે છે અને આ બધા જ મંદિરો ભક્તોમાં એટલા જ લોકપ્રિય છે. વિધ્નહર્તા દેવમાં ભક્તોની અપાર આસ્થા ધરાવે છે એટલે જ તેમના આશીર્વાદ મેળવવા માટે આ મંદિરોમાં મોટી સંખ્યામાં દર્શન કરવા માટે તેઓ ઉમટે છે. આવું જ એક મંદિર મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં આવેલું છે. ઐઠોરના ગણપતિ તરીકે જાણીતા મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. જે મુજબ મંદિરમાં રહેલી પ્રતિમાનો સંબંધ પાંડવ યુગ સાથે છે. ઉપરાંત સોલંકીકાળમાં પણ રાજાઓ અહીં આવીને પૂજન-અર્ચન કર્યા બાદ જ કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા હતા.
મંદિર સાથે જોડાયેલી છે વર્ષો જૂની માન્યતા
મંદિર વિશે જોડાયેલી માન્યતા મુજબ, પ્રાચીન કાળમાં દેવરાજ ઈન્દ્રના લગ્ન હોવાથી દેવીદેવતીઓની જાન જોડાઈ હતી, પરંતુ વાંકી સૂંઢવાળા ગણપતિને તેમના વિચિત્ર દેખાવના કારણે આમંત્રણ નહોતું અપાયું. એવામાં જ્યારે જાન ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર પહોંચી તો ગણેશજીના કોપના કારણે તમામ રથ ભાગી ગયા. ઘટના બનવા પાછળ કારણ સમજાતા દેવોએ ગણેશજીને મનાવવા પુષ્વાવતી નદીના કિનારે 33 કરોડ દેવી-દેવતાઓની પૂજા કરી. નદીના કિનારે આજે પણ 33 કરોડ દેવી-દેવતાઓનું મંદિર આવેલું છે.
ગણેશજીએ અહીં કર્યો હતો આરામ
દેવરાજ ઈન્દ્રના લગ્ન હોવાથી સમગ્ર શિવ પરિવાર જાનમાં આવ્યો હતો, ત્યારે ચાલતા ચાલતા ગણેશજી થાકી જવાના કારણે શિવજીએ તેમને ‘અહીં ઠેર’ કહ્યું હતુ, જે શબ્દો પરથી ગામનું નામ ઐઠોર પડ્યું હોવાનું મનાય છે. ગણેશજી ઐઠોરમાં આરામ કરવા રોકાયા હતા. જ્યારે શિવ, પાર્વતી અને કાર્તિકેય જાનમાં આગળ ગયા, પરંતુ થોડા દૂર ચાલ્યા બાદ પાર્વતીએ પુત્ર વિના આગળ જવાની ના પાડી દીધી અને તેઓ ઊંઝામાં રોકાઈ ગયા. જ્યાં આજે ઉમિયા માતાનું સ્થાનક છે. જાન આગળ વધતા ભાઈ અને માતા વિના કાર્તિકેયે પણ આગળ જવાથી ઈનકાર કર્યો અને સિદ્ધપુર ખાતે રોકાઈ ગયા, જ્યાં કાર્તિકેયજીનું મંદિર છે.
માટીમાંથી બનેલી છે મૂર્તિ
ઐઠોરમાં રહેલું ડાબી સૂંઢવાળા ગણપતિ દાદાનું મંદિર દુનિયાભરના શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. અંદાજિત 1200 વર્ષ જૂના આ મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ ધાતુ કે પથ્થરમાંથી નહીં પરંતુ માટીમાંથી બનાવાઈ છે, જેની પર સિંદુર અને તેલનો લેપ લગાવેલો છે. ગણપતિની આ દુર્લભ મૂર્તિના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટતી હોય છે.
કેવી રીતે પહોંચશો?
અમદાવાદથી ઐઠોર ગણપતિ મંદિર જવા માટે બે રસ્તાઓ છે. વાયા કલોલ અને મહેસાણા થઈને જવા પર આ મંદિર 99 કિમી દૂર પડે છે, કાર લઈને જાવ તો તમે 2 કલાકમાં ત્યાં પહોંચી શકો છો. જ્યારે વાયા ગાંધીનગર અને વિસનગર થઈને જવા પર 104 કિમી થાય છે. આ રસ્તેથી પહોંચવા માટે સવા બે કલાક જેટલો સમય લાગે છે.
જુઓ વિડિઓ :
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]